આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Thursday, January 29, 2009

નવલિકા સ્પર્ધા

નમસ્તે, મિત્રો!
     ગુજરાતી સાહિત્ય પરિષદ હંમેશાં સર્જકોની સર્જનશીલતાને જોમ પૂરું પાડતી પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી અલગ-અલગ શહેરોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'સર્જક-સંવાદ'નું સુંદર આયોજન થઈ રહ્યું છે. આ અનુસંધાને 'સર્જક-સવાંદ', ભાવનગર દ્વારા દર માસનાં અંતિમ રવિવારે નિયમિતપણે સર્જકોની બેઠક મળે છે. જેમાં સર્જક મિત્રો પોતાની રચનાઓ રજૂ કરે છે અને તે અંગે ચર્ચા-સંવાદ પણ થાય છે. 'કાવ્યપુષ્પ'નાં વાચકોને એ જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે સર્જકોને પ્રોત્સાહિત કરવાનાં ઉમદા હેતુસર ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદ, અમદાવાદ અને 'સર્જક-સંવાદ', ભાવનગર દ્વારા એક 'નવલિકા-સ્પર્ધાનું ' આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વાચક મિત્રોને સ્પર્ધામાં ભાગ લેવા 'કાવ્યપુષ્પ'નું ભાવભર્યું ઈજન.
- એડિટર્સ


Tuesday, January 13, 2009

સૂરજ (અછાંદસ) – વસંત જોષી

અગનગોળો
સફરજન ચાખ્યાનો
જીભનાં ખૂણે
ધગધગતો
શિશુ સમયે
ઘટ ઘટ ધાવતાં
ધાવણનાં ટીપામાં
પચાવી જાય
વાળમાં ફરતી
ઇચ્છા અધૂરી
તૃષાનો ઓડ્કાર
પાઈનેપલજ્યૂસની નળીમાં
સોલ્ટ સાથે અથડાય
સહજ અવાજ
ઝબકે ટેરવાં
રોમાંચિત ચહેરો
છલકે લાલ લાલ
દ્રષ્ટિનાં અરીસામાં
અગનગોળાનો સ્વાદ
જીભ ફરે
કંપે ટેરવાં
ધગધગતો પીવા
હથેળી ને હોઠ
ઝીલ્યા કરે
રતુંબડો
ધગધગતો

- વસંત જોષી
પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, ઓલ ઇંડિયા રેડિયો, રાજકોટ
બી-75, આલાપ સેંચ્યુરી, કાલાવાડ રોડ, રાજકોટ.
મો. 9426987882, 02812443961/62
ઇ-મેલ: vasant.b.joshi@gmail.com

તને સઘળુંય સાંપડશે (ગઝલ) - નીતિન વડગામા

જરા તું ઝૂક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.

હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવત ને કોદાળી તને સઘળુંય સાંપડશે.

અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.

પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.

ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહિ લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.

રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.

- નીતિન વડગામા

Saturday, January 3, 2009

સાંપડે (ગઝલ) – હાર્દિક વ્યાસ

યક્ષ વિરહીનેય કોઈ દૂત વાદળ સાંપડે
એમ મરિયમનો મને આ રિક્ત કાગળ સાંપડે

રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડાં,
ફૂલપાંદડીએ પરોઢે સહેજ ઝાકળ સાંપડે

આભઊંચા કો'ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયનાં મ્હેલની તો બંધ સાંકળ સાંપડે

ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે

સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ, કાશ! અંજળ સાંપડે!

એકસરખું દૃશ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં,
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે

- હાર્દિક વ્યાસ
'રાંદલ કૃપા', મહાદેવપુરા,
ચલાલા-365630. જિ. અમરેલી
મો. 9879135878.

Friday, November 21, 2008

કવિતા એટલે...

કવિતા એટલે...

(1) 'માણસનાં હ્રદયમાં પાંગરતું સંવેદના નામનું એવું પુષ્પ કે જેની ખુશ્બૂ જગતનાં બધાં જ માણસો અનુભવી શક્તા નથી.'

(2) 'વેદના અને સંવેદના નામનું એવું મિશ્રણ કે જે હ્રદય નામની દોણીમાં ખૂબ વલોવાય પછી માણસનાં મનોજગતમાંથી માખણરૂપે જે બહાર આવે તે કવિતા.'

- વર્ષા બારોટ
મુ. પો. ઝેરડા, તા. ડીસા.
જિ. બનાસકાંઠા વાયા: પાલનપુર
મો. 99797 47210

Sunday, March 16, 2008

SAD NEWS

OUR FATHER JIVRAJBHAI J. KALASARIYA HAS EXPIRED ON 09/03/2008. SO WE
ARE SORRY TO SAY THAT WE CAN NOT UPDATE 'KAVYPUSHP' FOR SOME DAYS.

-AUTHORS & EDITORS OF 'KAVYPUSHP':

PARESH KALASARIYA &
ALPESH KALASARIYA

Friday, March 7, 2008

હે દિલ! (મુકતક) - કિસ્મત કુરેશી

કહું ક્યાં સુધી એ રૂપનાં તડકાને ચાંદની?
હે દિલ! દિવસને હું તે કહું રાત ક્યાં સુધી?
એનાં સિતમ કરમ અને એનાં જુલમ રહમ!
હે દિલ! સનમની આવી વકીલાત ક્યાં સુધી?

-કિસ્મત કુરેશી

Thursday, March 6, 2008

ઉપકાર (મુકતક) - કિસ્મત કુરેશી

બેશરમ ભમરાથી ખુલ્લંખુલ્લા ચૂમાવું મટ્યું,
આગ પર ચડવું ને સોયે વીંધાવું મટ્યું,
કેટલો ઉપકાર છે તારો હે નિર્દય ચૂટનાર!
વણખીલી કળીઓને ફૂલીફાલી કરમાવું મટ્યું.

-કિસ્મત કુરેશી

દિશાઓ ફરી ગઈ! (ગઝલ) - ગની દહીંવાલા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ.

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી!
આવી વિકટ સફરને તું પૂરી કરીગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

- ગની દહીંવાલા

Sunday, March 2, 2008

હું પપ્પાનો ફ્રેન્ડ, (બાળગીત) – હસમુખ ગોવાણી

પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
દોસ્તી એવી પાક્કી જેનો કદી ન આવે એન્ડ.


પક્ડમ્-પકડી, દોડા-દોડી, કરીએ ધીંગામસ્તી,
પપ્પા ઘોડો, છૂક-છૂક ગાડી, મમ્મી ખડ-ખડ હસતી,
મોજ પડે તો ઊંચે ઊડીએ, મોજ પડે તો લેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પાની બોલિંગમાં હું તો ચોગ્ગા-છગ્ગા મારું,
પપ્પા મહેનત કરે ઘણી પણ હું ના કદીએ હારું,
મારી બોલિંગમાં પપ્પાનું વાગી જાતું બેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પા ક્યારેક દફતર લઈને જાય નિશાળે મારી,
હું પપ્પાની ઓફિસે જઉં બેગ ઉઠાવી ભારી,
પપ્પા મારી ચડ્ડી પહેરે હું પહેરી લઉં પેન્ટ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.


- શ્રી હસમુખ ગોવાણી

ધ્રાંગધ્રા.

જિ. સુરેન્દ્રનગર.
ગુજરાત.

Thursday, February 28, 2008

कुंज मे बेठा रहूं (गझल) – मिर्झा गालिब. અનુવાદ – મનસુખલાલ સાવલિયા

कुंजमे बैठा रहूं यों पर खूला
काश कि होता कफ्सका दर खूला।


જો આ પિંજરાનો દરવાજો ખૂલ્લો હોત તો હું એના એક ખૂણામાં પાંખો પસારીને બેઠો રહેત!

हम पूकारे और खूले यों कौन जाय
यार का दरवाजा पायें गर खूला।


અમે પુકારીએ અને એ ખોલે, એવો યારનો દરવાજો ખૂલ્લો હોય તો પણ કોણ જાય?

वाकई दिल पर भला लगता था दाग
जख्म लेकिन दागसे बेहतर खूला।


દિલ પ્રેમમાં દાઝ્યું હતું અને તેના ઉપર જે દાગ હતો તે સારો લાગતો હતો, પરંતુ જખ્મ તો એનાથી પણ વધારે ખૂલ્યો!

नामे के साथ आ गया पैगाम-ए-मर्ग
रह गया खत मेरी छाती पर खूला।


પત્રની સાથે જ મોતનો પયગામ આવી ગયો અને અમારી છાતી પર એ પત્ર ખૂલ્લો રહી ગયો

देखियो ‘गालिव’ से गर उलजा कोई,
है वली पोशीदा और काफिर खूला।


જોજો, કોઈ ગાલિબની હડફેટે ચડતા નહીં, એ ગુપ્ત રીતે તો વલી (મહાત્મા) છે, પણ ખૂલ્લામાં કાફર છે!

Wednesday, February 27, 2008

કમાલ છે! (ગઝલ) - અમૃત ‘ઘાયલ’

કારણ વગર પ્રહાર કરે છે, કમાલ છે!
ને પાછાં સારવાર કરે છે, કમાલ છે!

મન રાતભર વિચાર કરે છે, કમાલ છે!
પડખા ઘસી સવાર કરે છે, કમાલ છે!

છિદ્રો જ પોષવા સદા ટેવાયેલી નજર,
દર્પણ ઉપર પ્રહાર કરે છે, કમાલ છે!

અંદર અહીં જ ઘૂઘવે છે જળ નિરાંતનાં
પણ શોધ મન, બહાર કરે છે, કમાલ છે!

ઝિન્દાદિલી જુઓ કે છે અંતિમ પળો છતાં,
હસતે મુખે પસાર કરે છે, કમાલ છે!

નિજમાં સમાવી લે છે ગમે તેવી લાશ હો,
સહુની અદબ મજાર કરે છે, કમાલ છે!

બેઠો છે જાળ પાથરી ‘ઘાયલ’ સ્વયં ઉપર,
ખુદનો જ ખુદ શિકાર કરે છે, કમાલ છે!

- અમૃત ‘ઘાયલ’

Sunday, February 24, 2008

ઉમંગો, (મુક્તક) - ગની દહીંવાળા

મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો,
મારા ભૂતકાળનાં રંગીન પ્રસંગો તો નથી!
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યાં છે એમાં,
જોઇ લેવા દે મને મારાં ઉમંગો તો નથી!

- ગની દહીંવાળા

Saturday, February 23, 2008

(મુક્તક) - અમૃત ‘ઘાયલ’

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’,
શાયર છું, પાળિયા ને બેઠા કરી શકું છું.
- અમૃત ‘ઘાયલ’

Friday, February 22, 2008

મા, (લઘુકથા) – અલ્પેશ કળસરિયા

અમારાં ગામમાં એક ફાતેમા બહેન કરીને મુસ્લિમ સ્ત્રી રહે, ફાતેમાબહેનનું ઘર મસ્જિદને એકદમ અડીને. કહેવાતું કે ફાતેમાબહેન ગાંડા છે, નાસ્તિક છે અને મસ્જિદમાં નમાજ થાય છે ત્યારે ક્યારેક અપશ્બ્દો બરાડે છે. મને થયું કે ફાતેમા બહેન પર કવિતા લખું. એટલે હું ફાતેમાબહેનનાં ઘરે પહોંચ્યો. જોયું તો ફાતેમાબહેનનો અઢી-ત્રણ વર્ષનો સલીમ સૂતો છે. એકાએક મસ્જિદમાં નમાજ શરૂ થાય છે, “અલ્લા... હો અકબર અલ્લાહ...”. સલીમ ઝબકીને જાગી જાય છે. ફાતેમાબહેન સલીમનાં માથા પર હાથ ફેરવતા કહે છે, “સૂઈ જા, બેટા! કૈ નથી, એ તો રોજનો ઘોંઘાટ છે.” મારાથી તરત જ એમને પૂછાઈ જાય છે, “તમે મુસ્લિમ થઈને આવા નાસ્તિક કેમ છો? તમને નથી થતું કે તમારે ખુદાની બંદગી કરવી જોઈએ?” તેઓ જવાબ આપે છે, “હું નાસ્તિક નથી કે નથી હું મુસ્લિમ!”. મેં ફરી પૂછ્યું, “...તો તમે શું છો?” તેમણે તરત જ જવાબ આપ્યો, “ હું મા છું. મારાં સંતાનનું ભરણપોસણ તેની સારસંભાળ એ જ મારો ધર્મ છે, એ જ મારી બંદગી છે.

બીજાને જે કહેવું હોય તે કહે! પણ મારા માટે તો ફાતેમાબહેનનો આ જવાબ ગીતા, બાઇબલ કે કુરાનનાં ઉપદેશથી કમ નથી. ...કે ‘મા’ હિન્દુ, મુસ્લિમ કે શીખ નથી હોતી... કે ‘મા’નો કોઈ ધર્મ નથી હોતો. ‘મા’-‘મા’ છે કારણ કે ‘મા’ એટલે જ ઈશ્વર અને ઈશ્વરનો સ્વ્યં કોઈ ધર્મ નથી હોતો. મને મારી કાવ્યપંક્તિ મળી ગઈ:


નાસ્તિક નહીં હૂં, મા હૂં મૈં, ઝાહિદ! ઈમાન સે;
ઉઠ જાતે હૈ બચ્ચે મેરે શોર-એ-અઝાન સે.

- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com

Thursday, February 21, 2008

(મુક્તક) - બરકત વિરાણી 'બેફામ'

કોઈ તમન્ના વિનાનાં તરંગ છે, સાકી!
પીડા વિનાનાં બધાયે પ્રસંગ છે, સાકી!
સુખી જનોના જીવનની મેં જોઈ છે મસ્તી,
નશા વિનાના મદિરાના રંગ છે, સાકી!

- બરકત વિરાણી 'બેફામ'

Wednesday, February 20, 2008

ત્રણ રૂબાઈ – મરીઝ

સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ,
સ્વભાવના બંધનનો નથી કોઈ ઈલાજ;
સમજી લે કે મોઘમ છે ઈશારા એના,
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ!

-----------------------------------------

આનંદ નિરંતર નથી આલમ માટે,
દુનિયામાં કોઈ ગમ નથી કાયમ માટે;
ફરિયાદ ન કર જોઈ જગતનાં અંકુશ,
જન્નતમાંય બંધન હતાં આદમ માટે.

-----------------------------------------

પાણીમાં હરીફોની હરિફાઈ ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ

- મરીઝ

Tuesday, February 19, 2008

હસ્તરેખા, (મુક્તક) – અલ્પેશ કળસરિયા

આ દરિયાનો કિનારો છે, ખિલેલી લાલ સંધ્યા છે,
વિરહમાં કોઈનાં મારાં નયન અશ્રુથી ભીના છે;
લખું છું નામ એનું કે તરત ભૂંસાઈ જાયે છે,
કિનારાની આ રેતી જાણે મારી હસ્તરેખા છે!

- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com

Monday, February 18, 2008

बचपन, (नज़्म) – सुदर्शन फाकिर (IMAGE)



- પેજ ડિઝાઇનિંગ બાય પરેશ કળસરિયા
pareshkalasariya@gmail.com


મિત્રો, 'આજ' ફિલ્મનું આ ગીત ખૂબ જ લોકપ્રિય છે. થોડા દિવસો પછી અલ્પેશને તે એક સ્કૂલનાં ધોરણ નવનાં બાળકોને આ ગીત ભણાવવાનું છે. આ ગીત પાઠ્યપુસ્તકમાં આવતું નથી. એટલે બાળકોને આપવા માટે આ ગીતની લેખિત કોપીની જરૂર પડી. ગીત ટાઈપ કર્યા બાદ મને તેમાં થોડા ચિત્રો ઉમેરવાનું મન થયું. અને છેવટે જે પરિણામ મળ્યું તે જોયા બાદ મને લાગ્યું કે આસપાસ મુકેલા ચિત્રોને લીધે જાણે કે ગીતનો ભાવ વધું તીવ્ર, વધુ અસકારક બને છે. તેથી આ ઇમેજ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપના પ્રતિભાવો જણાવશો. આભાર. (ઇમેજ સારી રીતે જોવા તેનાં પર ક્લિક કરો. fotoprint કઢાવવા માટે વધુ સારાં રિઝોલ્યુશન વાળી ઇમેજ મેળવવા નીચેનાં મારાં એડ્રેસ પર ઇ-મેલ કરો.)

- પરેશ કળસરિયા
pareshkalasariya@gmail.com

Saturday, February 16, 2008

શોક સમાચાર

દરેક સાહિત્ય પ્રેમી માટે આઘાત અને શોકનાં સમાચાર છે. તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે . રાજકોટ ખાતે જનાબ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ નું અવસાન થયું છે. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.

“કૈસે બતાયે આપકો ક્યા ક્યા નહી રહા?
હોતા નહી યકીન કિ ‘રૂસ્વા’ નહી રહા!”

- પરેશ કળસરિયા