એજ બગીચો એજ છે માલી,
એજ ઉષા-સંધ્યાની લાલી,
કેફ છલોછલ પુષ્પની પ્યાલી
કોયલ, બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
એજ બહારો બાગની અંદર,
પ્રેમનાં જાદુ, રુપના મંતર,
એજ પતંગા દીપના ઉપર,
એજ કમળ છે એજ મધુકર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
એજ ફુવારો ને ફુલવારી,
રંગબેરંગી ક્યારી ક્યારી,
મખમલ સમ આ ઘાસ-પથારી,
જે પર દિલની દુનીયા વારી!
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
એજ હજી છે જૂઈ-ચમેલી.
આગિયાઓની જ્યોત જડેલી,
આંબા ડાળે જુઓ પેલી;-
એજ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
ચાંદ-સિતારા એજ ગગનમાં,
મસ્તી એની એજ પવનમાં,
તાપી પણ છે એજ વહનમાં,
એજ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
'વડ' પર બંને નામ હજી છે,
થડ પર કોતર કામ હજી છે,
બે મનનું સુખધામ હજી છે,
સામે મારું ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
એજ છે રોનક તાપી તટ પર.
એજ છે સામે લીલાં ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર;-
દૂર દિસંતાં મસ્જિદ-મંદર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
'આસિમ' આજે રાણી બાગે,
ઊર્મિને કાં ઠેસ ન વાગે?
મસ્ત પવનમાં પુષ્પ-પરાગે,
કેમ મને વૈરાગ ન જાગે?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિન્તુ મારી 'લીલા' ક્યાં છે?
- જન્નતનશીન આસિમ રાંદેરી
Saturday, February 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment