આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Sunday, March 16, 2008

SAD NEWS

OUR FATHER JIVRAJBHAI J. KALASARIYA HAS EXPIRED ON 09/03/2008. SO WE
ARE SORRY TO SAY THAT WE CAN NOT UPDATE 'KAVYPUSHP' FOR SOME DAYS.

-AUTHORS & EDITORS OF 'KAVYPUSHP':

PARESH KALASARIYA &
ALPESH KALASARIYA

Friday, March 7, 2008

હે દિલ! (મુકતક) - કિસ્મત કુરેશી

કહું ક્યાં સુધી એ રૂપનાં તડકાને ચાંદની?
હે દિલ! દિવસને હું તે કહું રાત ક્યાં સુધી?
એનાં સિતમ કરમ અને એનાં જુલમ રહમ!
હે દિલ! સનમની આવી વકીલાત ક્યાં સુધી?

-કિસ્મત કુરેશી

Thursday, March 6, 2008

ઉપકાર (મુકતક) - કિસ્મત કુરેશી

બેશરમ ભમરાથી ખુલ્લંખુલ્લા ચૂમાવું મટ્યું,
આગ પર ચડવું ને સોયે વીંધાવું મટ્યું,
કેટલો ઉપકાર છે તારો હે નિર્દય ચૂટનાર!
વણખીલી કળીઓને ફૂલીફાલી કરમાવું મટ્યું.

-કિસ્મત કુરેશી

દિશાઓ ફરી ગઈ! (ગઝલ) - ગની દહીંવાલા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ.

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી!
આવી વિકટ સફરને તું પૂરી કરીગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

- ગની દહીંવાલા

Sunday, March 2, 2008

હું પપ્પાનો ફ્રેન્ડ, (બાળગીત) – હસમુખ ગોવાણી

પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
દોસ્તી એવી પાક્કી જેનો કદી ન આવે એન્ડ.


પક્ડમ્-પકડી, દોડા-દોડી, કરીએ ધીંગામસ્તી,
પપ્પા ઘોડો, છૂક-છૂક ગાડી, મમ્મી ખડ-ખડ હસતી,
મોજ પડે તો ઊંચે ઊડીએ, મોજ પડે તો લેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પાની બોલિંગમાં હું તો ચોગ્ગા-છગ્ગા મારું,
પપ્પા મહેનત કરે ઘણી પણ હું ના કદીએ હારું,
મારી બોલિંગમાં પપ્પાનું વાગી જાતું બેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.

પપ્પા ક્યારેક દફતર લઈને જાય નિશાળે મારી,
હું પપ્પાની ઓફિસે જઉં બેગ ઉઠાવી ભારી,
પપ્પા મારી ચડ્ડી પહેરે હું પહેરી લઉં પેન્ટ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.


- શ્રી હસમુખ ગોવાણી

ધ્રાંગધ્રા.

જિ. સુરેન્દ્રનગર.
ગુજરાત.