આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Thursday, January 29, 2009

નવલિકા સ્પર્ધા

નમસ્તે, મિત્રો!
     ગુજરાતી સાહિત્ય પરિષદ હંમેશાં સર્જકોની સર્જનશીલતાને જોમ પૂરું પાડતી પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી અલગ-અલગ શહેરોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'સર્જક-સંવાદ'નું સુંદર આયોજન થઈ રહ્યું છે. આ અનુસંધાને 'સર્જક-સવાંદ', ભાવનગર દ્વારા દર માસનાં અંતિમ રવિવારે નિયમિતપણે સર્જકોની બેઠક મળે છે. જેમાં સર્જક મિત્રો પોતાની રચનાઓ રજૂ કરે છે અને તે અંગે ચર્ચા-સંવાદ પણ થાય છે. 'કાવ્યપુષ્પ'નાં વાચકોને એ જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે સર્જકોને પ્રોત્સાહિત કરવાનાં ઉમદા હેતુસર ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદ, અમદાવાદ અને 'સર્જક-સંવાદ', ભાવનગર દ્વારા એક 'નવલિકા-સ્પર્ધાનું ' આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વાચક મિત્રોને સ્પર્ધામાં ભાગ લેવા 'કાવ્યપુષ્પ'નું ભાવભર્યું ઈજન.
- એડિટર્સ


Tuesday, January 13, 2009

સૂરજ (અછાંદસ) – વસંત જોષી

અગનગોળો
સફરજન ચાખ્યાનો
જીભનાં ખૂણે
ધગધગતો
શિશુ સમયે
ઘટ ઘટ ધાવતાં
ધાવણનાં ટીપામાં
પચાવી જાય
વાળમાં ફરતી
ઇચ્છા અધૂરી
તૃષાનો ઓડ્કાર
પાઈનેપલજ્યૂસની નળીમાં
સોલ્ટ સાથે અથડાય
સહજ અવાજ
ઝબકે ટેરવાં
રોમાંચિત ચહેરો
છલકે લાલ લાલ
દ્રષ્ટિનાં અરીસામાં
અગનગોળાનો સ્વાદ
જીભ ફરે
કંપે ટેરવાં
ધગધગતો પીવા
હથેળી ને હોઠ
ઝીલ્યા કરે
રતુંબડો
ધગધગતો

- વસંત જોષી
પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, ઓલ ઇંડિયા રેડિયો, રાજકોટ
બી-75, આલાપ સેંચ્યુરી, કાલાવાડ રોડ, રાજકોટ.
મો. 9426987882, 02812443961/62
ઇ-મેલ: vasant.b.joshi@gmail.com

તને સઘળુંય સાંપડશે (ગઝલ) - નીતિન વડગામા

જરા તું ઝૂક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.

હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવત ને કોદાળી તને સઘળુંય સાંપડશે.

અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.

પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.

ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહિ લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.

રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.

- નીતિન વડગામા

Saturday, January 3, 2009

સાંપડે (ગઝલ) – હાર્દિક વ્યાસ

યક્ષ વિરહીનેય કોઈ દૂત વાદળ સાંપડે
એમ મરિયમનો મને આ રિક્ત કાગળ સાંપડે

રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડાં,
ફૂલપાંદડીએ પરોઢે સહેજ ઝાકળ સાંપડે

આભઊંચા કો'ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયનાં મ્હેલની તો બંધ સાંકળ સાંપડે

ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે

સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ, કાશ! અંજળ સાંપડે!

એકસરખું દૃશ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં,
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે

- હાર્દિક વ્યાસ
'રાંદલ કૃપા', મહાદેવપુરા,
ચલાલા-365630. જિ. અમરેલી
મો. 9879135878.