આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Saturday, March 21, 2009

મને તું (અછાંદસ) – વસંત જોષી

એક ટપકું ગાલે કર્યુ
ખળખળ વહ્યું
આકાશ સ્વચ્છ
પંખી ઊડ્યાં
મેદાન તાકતું

એક ટપકું ઝુમખે ઝીલ્યું
નીર આછર્યાં
ફેલાયો ઝબકાર
પવન પડ્યો
ટાઢ થરથરી
હોઠ ધરાના મરક ગુલાબી
બાગના રસ્તે
ભરચક ખીલ્યા
એક ઈશારે
મહેંકી ઊઠ્યાં ખોબે-ખોબે
તરસ તૃપ્ત

એક ટપકું
ઝીલ્યું
પામ્યું

- વસંત જોષી
પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, ઓલ ઇંડિયા રેડિયો, રાજકોટ
બી-75, આલાપ સેંચ્યુરી, કાલાવાડ રોડ, રાજકોટ.
મો. 9426987882, 02812443961/62
ઇ-મેલ: vasant.b.joshi@gmail.com

ખાલી હવે (ગઝલ) – રાજેન્દ્ર શુક્લ

છલોછલ જે ભર્યું'તું તે કર્યું ખાલી હવે,
તું લંબાવે હથેલી તો દઉં તાલી હવે.

નિમંત્રણ વિણ મહેફિલમાં અહીં આવી ચડ્યો;
રજા આપી શકે જો તું જઉં ચાલી હવે.

ગયાં પર્ણો, ખર્યાં પુષ્પો, વસંતો પણ ગઈ,
અચાનક એકલી આ વેલ કૈં ફાલી હવે.

પદારથ પિંડમાં ને પિંડ આ બ્રહ્માંડમાં,
સકલ પીડાય તે લાગે ભલી વ્હાલી હવે.

મળ્યો અવસર, અમોલખ આંગણે આવી ઊભું,
અદીઠાનું અડોઅડ તે લિયો ઝાલી હવે.

- રાજેન્દ્ર શુક્લ

અવળી ચાલ (ગીત) – સંજુ વાળા

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટઅમીટે એ જગ જોવાં, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડાં.

- સંજુ વાળા
એ-77, આલાપ એવન્યૂ, યુનિ. રોડ, રાજકોટ.
મો. 9825552781