આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Tuesday, January 13, 2009

સૂરજ (અછાંદસ) – વસંત જોષી

અગનગોળો
સફરજન ચાખ્યાનો
જીભનાં ખૂણે
ધગધગતો
શિશુ સમયે
ઘટ ઘટ ધાવતાં
ધાવણનાં ટીપામાં
પચાવી જાય
વાળમાં ફરતી
ઇચ્છા અધૂરી
તૃષાનો ઓડ્કાર
પાઈનેપલજ્યૂસની નળીમાં
સોલ્ટ સાથે અથડાય
સહજ અવાજ
ઝબકે ટેરવાં
રોમાંચિત ચહેરો
છલકે લાલ લાલ
દ્રષ્ટિનાં અરીસામાં
અગનગોળાનો સ્વાદ
જીભ ફરે
કંપે ટેરવાં
ધગધગતો પીવા
હથેળી ને હોઠ
ઝીલ્યા કરે
રતુંબડો
ધગધગતો

- વસંત જોષી
પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, ઓલ ઇંડિયા રેડિયો, રાજકોટ
બી-75, આલાપ સેંચ્યુરી, કાલાવાડ રોડ, રાજકોટ.
મો. 9426987882, 02812443961/62
ઇ-મેલ: vasant.b.joshi@gmail.com

તને સઘળુંય સાંપડશે (ગઝલ) - નીતિન વડગામા

જરા તું ઝૂક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.

હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવત ને કોદાળી તને સઘળુંય સાંપડશે.

અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.

પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.

ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહિ લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.

રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.

- નીતિન વડગામા