આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Monday, February 9, 2009

એટલે તમે (ગઝલ) – રાહી ઓધારિયા

મારાં વિચાર,મારું મનન એટલે તમે-
ને મારું મૌન, મારું કથન એટલે તમે.

હું એટલે તમારાં અરીસાનું કોઈ બિમ્બ-
ને મારી કલ્પ્નાનું ગગન એટલે તમે.

મારું કહી શકાય એવું શું રહ્યું પછી?
સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે.

લ્યો, અંતે ઓગળી ગયો મારાં મહીંનો 'હું',
કે તમને પામવાની લગન એટલે તમે.

જેને ન આદિ-અંત કદી સંભવી શકે-
એવું વિયોગહીન મિલન એટલે તમે.

તમને નિહાળવાનાં પ્રયાસો રહ્યાં અફળ,
'રાહી'! અનુભવાતો પવન એટલે તમે.

- શ્રી 'રાહી' ઓધારિયા
   ભાવનગર.