આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Saturday, February 16, 2008

શોક સમાચાર

દરેક સાહિત્ય પ્રેમી માટે આઘાત અને શોકનાં સમાચાર છે. તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે . રાજકોટ ખાતે જનાબ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ નું અવસાન થયું છે. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.

“કૈસે બતાયે આપકો ક્યા ક્યા નહી રહા?
હોતા નહી યકીન કિ ‘રૂસ્વા’ નહી રહા!”

- પરેશ કળસરિયા

કોણ માનશે?, (ગઝલ) – ‘રૂસ્વા’ મઝલૂમી

ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ મઝલૂમી

જન્મ: 11 ડિસેમ્બર, 1915 : અવસાન : 14 ફેબ્રુઆરી, 2008

સ્વ. ‘રૂસ્વા’ મઝલૂમીને તેમની જ એક ગઝલ દ્વારા ‘શબ્દાંજલિ’:

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

- ‘રૂસ્વા’ મઝલૂમી