આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Wednesday, February 27, 2008

કમાલ છે! (ગઝલ) - અમૃત ‘ઘાયલ’

કારણ વગર પ્રહાર કરે છે, કમાલ છે!
ને પાછાં સારવાર કરે છે, કમાલ છે!

મન રાતભર વિચાર કરે છે, કમાલ છે!
પડખા ઘસી સવાર કરે છે, કમાલ છે!

છિદ્રો જ પોષવા સદા ટેવાયેલી નજર,
દર્પણ ઉપર પ્રહાર કરે છે, કમાલ છે!

અંદર અહીં જ ઘૂઘવે છે જળ નિરાંતનાં
પણ શોધ મન, બહાર કરે છે, કમાલ છે!

ઝિન્દાદિલી જુઓ કે છે અંતિમ પળો છતાં,
હસતે મુખે પસાર કરે છે, કમાલ છે!

નિજમાં સમાવી લે છે ગમે તેવી લાશ હો,
સહુની અદબ મજાર કરે છે, કમાલ છે!

બેઠો છે જાળ પાથરી ‘ઘાયલ’ સ્વયં ઉપર,
ખુદનો જ ખુદ શિકાર કરે છે, કમાલ છે!

- અમૃત ‘ઘાયલ’