આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Friday, February 22, 2008

મા, (લઘુકથા) – અલ્પેશ કળસરિયા

અમારાં ગામમાં એક ફાતેમા બહેન કરીને મુસ્લિમ સ્ત્રી રહે, ફાતેમાબહેનનું ઘર મસ્જિદને એકદમ અડીને. કહેવાતું કે ફાતેમાબહેન ગાંડા છે, નાસ્તિક છે અને મસ્જિદમાં નમાજ થાય છે ત્યારે ક્યારેક અપશ્બ્દો બરાડે છે. મને થયું કે ફાતેમા બહેન પર કવિતા લખું. એટલે હું ફાતેમાબહેનનાં ઘરે પહોંચ્યો. જોયું તો ફાતેમાબહેનનો અઢી-ત્રણ વર્ષનો સલીમ સૂતો છે. એકાએક મસ્જિદમાં નમાજ શરૂ થાય છે, “અલ્લા... હો અકબર અલ્લાહ...”. સલીમ ઝબકીને જાગી જાય છે. ફાતેમાબહેન સલીમનાં માથા પર હાથ ફેરવતા કહે છે, “સૂઈ જા, બેટા! કૈ નથી, એ તો રોજનો ઘોંઘાટ છે.” મારાથી તરત જ એમને પૂછાઈ જાય છે, “તમે મુસ્લિમ થઈને આવા નાસ્તિક કેમ છો? તમને નથી થતું કે તમારે ખુદાની બંદગી કરવી જોઈએ?” તેઓ જવાબ આપે છે, “હું નાસ્તિક નથી કે નથી હું મુસ્લિમ!”. મેં ફરી પૂછ્યું, “...તો તમે શું છો?” તેમણે તરત જ જવાબ આપ્યો, “ હું મા છું. મારાં સંતાનનું ભરણપોસણ તેની સારસંભાળ એ જ મારો ધર્મ છે, એ જ મારી બંદગી છે.

બીજાને જે કહેવું હોય તે કહે! પણ મારા માટે તો ફાતેમાબહેનનો આ જવાબ ગીતા, બાઇબલ કે કુરાનનાં ઉપદેશથી કમ નથી. ...કે ‘મા’ હિન્દુ, મુસ્લિમ કે શીખ નથી હોતી... કે ‘મા’નો કોઈ ધર્મ નથી હોતો. ‘મા’-‘મા’ છે કારણ કે ‘મા’ એટલે જ ઈશ્વર અને ઈશ્વરનો સ્વ્યં કોઈ ધર્મ નથી હોતો. મને મારી કાવ્યપંક્તિ મળી ગઈ:


નાસ્તિક નહીં હૂં, મા હૂં મૈં, ઝાહિદ! ઈમાન સે;
ઉઠ જાતે હૈ બચ્ચે મેરે શોર-એ-અઝાન સે.

- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com